ગુજરાતમાં પોલીસના આતંક માટે માત્ર સરકાર જવાબદાર:કોંગ્રેસ
ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન તથા 25 ઓગસ્ટની રાતથી વણસેલી સ્થિતિ માટે કોંગ્રેસે ગુજરાત સરકારને જવાબદાર ઠેરવી છે. વિકાસની પોકળ જાહેરાતો અને વાસ્તવિક્તા વચ્ચેના મોટા અંતરના કારણે યુવાનોમાં જે રોષ હતો તે માર્ગ ઉપર ઊતરી આવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે 25મી ઓગસ્ટની શાંતિપૂર્ણ રેલી પછી ગુજરાતની શાંતિ હણી લેવા રાજ્ય સરકારે જ નિર્ધાર કર્યો હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. આંદોલનનું સમર્થન કરતાં શાંતિપૂર્ણ નાગરિકોને ભયભીત કરી દેવા માટે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને કયાં સંજોગોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું તેની તપાસ અર્થે હાઈકોર્ટના સીટિંગ જજ ના વડપણ હેઠળ તપાસ પંચ નીમવામાં આવે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકીય-સામાજિક પરિસ્થિતિ મુશ્કેલીમાં આવી છે. દેશ અને દુનિયામાં મોટી જાહેરાતો કરવામાં આવી હતી એ નંબર વન ગુજરાત, વાઈબ્રન્ટ ગુજરાત, ગતિશિલ ગુજરાત, ગુજરાત મોડલ, ખેડૂતો મારુતિ લઈને ખેતરે જાય છે, વિશ્વભરના રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા આવે છે, એવા ગુજરાતમાં બે માસમાં એવું તો શું થયું કે ગુજરાતમાં આવી સ્થિતિ ઊભી થઈ ! ગુજરાતમાં ખેડૂતો દુઃખી છે, યુવાનો બેરોજગાર છે, એડમિશનોની મુશ્કેલી છે, વેપાર-ધંધા ઠપ થયા છે અને છતાં પોકળ જાહેરાતોનો સરકાર મારો ચલાવે છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3118620