અન્ન સુરક્ષા અને મનરેગા મુદ્દે ૧૪મીએ કોંગ્રેસ રાજ્યમાં ઠેર-ઠેર આવેદન આપશે

અન્ન સુરક્ષા અધિકાર કાયદા હેઠળ ૫૪ ટકા લોકોને તાત્કાલિક લાભ આપવા તેમજ મનરેગા યોજના હેઠળ સ્થાનિક લોકોને રોજગારી મળી શકે તે માટે તંત્ર જલ્દી કામગીરી કરે, તેવી માંગણી સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરો, ૨૪૯ તાલુકા મથકો પર આગામી ૧૪મી માર્ચે દેખાવો-ધરણા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્યમાં ઠેર ઠેર મામલતદાર અને કલેકટર કચેરી સામે ધરણાં બાદ આવેદનપત્ર આપવામાં આવશે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજ્યની ભાજપ સરકારે અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો અમલ નહિ કરીને ૫૪ ટકા પરિવારો એટલે કે ૩.૨૫ કરોડ નાગરિકોને લાભથી વંચિત રાખ્યા છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ભ્રષ્ટાચારી રીતરસમના કારણે ગરીબ પરિવારોને ઘંઉ, ચોખા, ખાંડ, કેરોસીન નિયમ મુજબ મળતાં જથ્થામાંથી વંચિત રાખવામાં આવે છે. જે અનાજ ગરીબોને મળવું જોઈએ તે બારોબાર કાળા બજારિયા- સંગ્રહખોરો બારોબાર સગેવગે કરી રહ્યા છે. બીજી તરફ મનરેગા હેઠળ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3237461