Amit Chavda says Gujarat Kisan Congress chairman Pal Ambalia arrested and allegedly beaten by police

કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનને કારણે ખેત પેદાશોનાં ભાવ રાતો રાત ગગડી રહ્યાં છે. ત્યારે દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ખેડૂતોને પારાવાર નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખેડૂતોનાં સમર્થનમાં અને યોગ્ય ભાવની માંગ સાથે ગઇ કાલનાં સાંજનાં ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન એટલે કે ખેડૂત અગ્રણી નેતા પાલ આંબલીયાની રાજકોટ કલેક્ટર કચેરીમાં ધરણાં કરીને વિરોધ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારે પાલ આંબલીયાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસે પાલ આંબલીયાની ધરપકડ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં તેને ઢોર માર માર્યોનો આક્ષેપ કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ પત્રકાર પરિષદ સંબોધીને સરકારને અત્યાચારી ગણાવી હતી.

તમને જણાવી દઇએ કે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતાં કોંગ્રેસ કિસાન સેલનાં નેતા પાલ આંબલિયા કલેક્ટર કચેરીએ ડુંગળી, બટાકા અને કપાસની ભારીઓ લઈને વિરોધ કરવાં પહોંચ્યાં હતાં. ત્યારે પાલ આંબલિયાનાં વિરોધ વચ્ચે પોલીસે તેમની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન તેઓને લઇ જવાયા હતાં. જો કે પાલ આંબલિયા અને કોંગ્રેસનો દાવો છે કે પોલીસે તેમને લોકઅપમાં ઢોર માર માર્યો છે. આંબલિયાની તબિયત પણ લથળી છે, જેથી આ વિવાદ વધારે વકર્યો છે.

આ મામલે DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, ‘આ સમગ્ર ઘટના અંગે તપાસ કરીશું. ગઇ કાલે કલેક્ટર કચેરીએ ડુંગળી, કપાસ સાથે આ લોકો વિરોધ કરવા આવ્યાં હતાં. આથી જાહેર સ્થળ પર આવો કોઇ પણ પ્રકારનો વિરોધ કરી શકાય નહીં. જેથી પોલીસે પાલ આંબલીયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેમજ આ પાંચેય વિરૂદ્ધ જાહેરનામાંનાં ભંગનો ગુનો પણ નોંધ્યો હતો. આજે મામલતદાર સમક્ષ હાજર રાખીને તેઓને જામીન પર મુક્ત કર્યા છે. પોલીસે માર માર્યો તે અંગે પાલ આંબલીયા લેખિતમાં રજૂઆત કરશે તો આ અંગે જરૂરથી તપાસ થશે. ખેડૂત પ્રતિનિધિ તરીકે રજૂઆત કરી શકે પરંતુ ડુંગળી, કપાસ જાહેર સ્થળ પર લાવી શકાય નહીં.’

પાલ આંબલિયાની ધરપકડ બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, ‘પાલભાઈએ ખેડૂતોનાં પ્રશ્નને વાચા આપી એટલે પોલીસે ઢોર માર માર્યો. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે અને અત્યાચારી છે. રાજકોટ પોલીસ CM રૂપાણીનાં ઈશારે પાલભાઈને મારી રહી છે. ચાવડાએ વધુમાં કહ્યું કે પોલીસ અને સરકાર ખેડૂતો અને પાલભાઈની માંફી માંગે. તેમજ જે પોલીસ અધિકારીઓએ માર માર્યો છે એમની વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ. રાજકોટમાં મુખ્યમંત્રીનું હોમટાઉન છે એટલે પોલીસ બધું ઢાંકવા માંગે છે અને હોમટાઉનમાં ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. ખેડૂતોનાં હક માટે લડવું એ આ સરકારમાં ગુનો છે.’

Read More : https://gujaratexclusive.in/amit-chavda-says-gujarat-kisan-congress-chairman-pal-ambalia-arrested-and-allegedly-beaten-by-police/?fbclid=IwAR2rKkDYkuG4dEbzzLfJtl0nSImP38GrFvohCx0HeKyFO_PCepv3RA1PAQA

Tags: