ખેડૂત વિરોધી નીતિ સામે પ્રદર્શન
ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લીધે દેશના અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો આર્થિક બેહાલી તરફ ધકેલાઈ રહ્યા છે. ગુજરાતમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિએ મોટા ઉદ્યોગપતિઓને માલામાલ કર્યા છે, જ્યારે ખેડૂતો અને ગામડાઓને વિકાસથી વંચિત રાખ્યા છે. ખાતર, ડીઝલ પર ઉંચો વેટ વસુલ કરી ખેડૂત માટે ખેતી મોંઘી કરી મૂકી છે. ખેડૂતોને અપાતી વીજળીમાં સતત ઘટાડો, વીજળી વેચીને નફો કરાય પણ ખેડૂત વીજળી વગર ટળવળે. કપાસ, મગફળી, ડુંગળી બટાટા જેવા પાકોમાં ટેકાના ભાવો ન આપીને ખેડૂતો રાતાપાણીએ રોઈ રહ્યા છે. સુજલામ–સુફલામ યોજના બોરીબંધ અને નર્મદા કેનાલ નેટવર્કમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે. સાથે પાકવીમો, સિંચાઈનું પાણી, જમીન રીસર્વેમાં ગેરરીતીઓ, નીલગાય અને ભૂંડનો ત્રાસથી ખેડૂતો હેરાન–પરેશાન છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાતના ખેડૂતોના હક્ક–અધિકાર અને સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી તાલુકા કક્ષાએ એક કલાકના ધરણા બાદ આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

































