અખિલ ભારત હિંદુ મહાસભાના અત્યંત નિંદનીય કૃત્ય સામે વિરોધ પ્રદર્શન
ગત ૩૦મી જાન્યુઆરીના રોજ સમગ્ર રાષ્ટ્રમાં પૂજ્ય મહાત્મા ગાંધીની ૭૧મી પુણ્યતિથિએ પૂજ્ય બાપુની સ્મૃતિવંદના કરવામાં આવી. ત્યારે અત્યંત આઘાતજનક રીતે, તે જ દિવસે, ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત હિન્દુ મહાસભાએ, પૂજ્ય ગાંધીજીની પ્રતિમા સામે પિસ્તોલથી ગોળીબાર કર્યો, મીઠાઈ વહેંચી અને પૂજ્ય બાપુના હત્યારા અને અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્ય એવા નાથુરામ ગોડસેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આવા અત્યંત નિંદનીય કૃત્ય સામે વિરોધ પ્રદર્શિત કરવા પ્રદેશ પ્રમુખ આદરણીયશ્રી અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કોચરબ આશ્રમ, પાલડી, અમદાવાદ ખાતે ધરણા – પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલા, લાખાભાઈ ભરવાડ, પ્રદેશ પદાધિકારીશ્રી રાજુભાઈ પરમાર, ડૉ.મનીષ દોશી, ઘનશ્યામભાઈ ગઢવી, શ્રીમતી માયાબેન દવે, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી શશીકાંત પટેલ, જીલ્લા પ્રમુખશ્રી પંકજસિંહ વાઘેલા સહિત કોર્પોરેટરશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો-આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી “મહાત્મા ગાંધી અમર રહો” અને “મહાત્મા ગાંધીને અપમાનિત કરનારાઓને “સજા કરો, સજા કરો” જેવા સુત્રોચ્ચાર કર્યા હતા.










