સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પાછી ઠેલવા સામે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ધરણા અને કલેકટરને આવેદનપત્ર

230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પુરી થતા સમયસર ચૂંટણી થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની છે પરંતુ બેફામ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગમી ચૂંટણીમાં પોતાની હાર થશે તેવા ડરથી ભાજપ સરકારે ગેરબંધારણીય રીતે મતદાતાઓનો અધિકાર પર તરાપ મારી છે ત્યારે લોકતંત્રને જીવંત રાખવા અને પ્રજાને તેમના ચૂંટાયેલા જનપ્રતિનિધી સમયસર મળે તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષે સમગ્ર રાજ્યમાં જે તે જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયત / કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખના કોંગ્રેસ પક્ષના નેતાના નેતૃત્વમાં કલેક્ટર કચેરી પાસે સવારે 11-00 કલાકે “હલ્લાબોલ”“ધરણાં-સુત્રોચ્ચાર” એક કલાક સુધી સતત કાર્યક્રમ આપ્યો હતો. જેમાં પાટણ, જામનગર સહિત અન્ય જગ્યાએ પોલીસે લોકતાંત્રિક રીતે દેખાવો કરતા કોંગ્રેસના કાર્યકરો-આગેવાનોની ધરપકડ કરી હતી. રાજ્યના 6 કરોડ નાગરિકોને શાંતિ અને સલામતી આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર તેની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપે તેવી માંગ સાથે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો દ્વારા જિલ્લા મથકે થયેલ મોટાપાયે દેખાવો-ધરણાં કાર્યક્રમ આપ્યો હતો. કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનોએ “લોકશાહી કે સન્માન મેં, કોંગ્રેસ મેદાન મેં”, “ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી” “લોકતંત્ર વિરોધી ભાજપ સરકાર” “ચૂંટણીથી ડરી ગયેલ ભાજપ સરકાર રાજીનામું આપે” “બુટલેગરો બેફામ, પ્રજા પરેશાન, કહાં ગઈ ભાજપ સરકાર” જેવા ઉગ્ર સુત્રોચ્ચાર કરીને ભાજપના નીતિ અને નિયતને ખુલ્લી પાડી હતી. ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.